સબ્રિયાના બેલગ્રેડમાં રમાઈ રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પહેલવાન બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. બજરંગ ભારતનો એકમાત્ર પહેલવાન છે જેણે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં બજરંગે 2013માં બ્રોન્ઝ, 2018માં સિલ્વર અને 2019માં ફરીથી બ્રોન્ઝ જીત્યો હતો. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની આ સીઝનમાં બજરંગે 65 કિ.ગ્રા વેઈટ કેટેગરીમાં પુએર્ટો રિકોના સેબસ્ટિયન રિવેરાને 11-9થી હરાવ્યો છે. બજરંગ પુનિયા પાછલા અનેક વર્ષોથી સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. આ પહેલાં તેણે ટોક્યો
ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતને તેણે બીજો મેડલ અપાવ્યો છે. બજરંગ ઉપરાંત મહિલા પહેલવાન વિનેશ ફોગાટે ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપના પ્રારંભીક મુકાબલામાં બજરંગ પાછળ થઈ ગયો હતો પરંતુ તેને રેપચેઝમાં બ્રોન્ઝ મેડલ જીતવાની વધુ એક તક મળી હતી. તેણે રેપચેઝની પહેલી મેચ આર્મેનિયાના પહેલવાન વેજગેન તેવાન્યાનને કાંટે કી ટક્કર સમાન મુકાબલામાં હરાવ્યો હતો. આ પહેલાં બજરંગ પોતાના પ્રથમ મેચમાં જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. બજરંગને માથામાં ઈજા પહોંચવા છતાં તેણે આ ટૂર્નામેન્ટમાં રમવાનો નિર્ણય લીધો હતો. ઈજાને કારણે તેના પ્રદર્શન ઉપર પણ અસર જોવા મળી હતી. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલના પ્લેઑફ મેચમાં 6-0થી પાછળ ચાલી રહ્યો હતો આમ છતાં તેણે વાપસી કરીને 11-9થી જીત હાંસલ કરી હતી. બજરંગ ઉપરાંત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતના અનેક મહિલા અને પુરૂષ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતે આ ચેમ્પિયનશિપ માટે ગ્રીકો-રોમન, ફ્રી-સ્ટાઈલ અને મહિલા કુશ્તીની 30 કેટેગરી માટે 30 પહેલવાનો મોકલ્યા હતા જેમાંથી અત્યાર સુધી માત્ર બે જ ખેલાડી મેડલ જીતી શક્યા છે. બજરંગ અને વિનેશ ફોગાટ ઉપરાંત સાગર જગલાન, નવીન મલિક, નિશા દહિયા બ્રોન્ઝ મેડલ માટે રમ્યા હતા પરંતુ સફળ થઈ શક્યા નહોતા. આ ઉપરાંત ઓલિમ્પિકના સિલ્વર મેડલિસ્ટ અને કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ રવિ દહિયાને ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ ઝટકો લાગી ગયો હતો કેમ કે તે પ્રિ-ક્વાર્ટર રાઉન્ડમાં હારી ગયો હતો.