ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સાથે સંલગ્ન આઇટીઆરએ દ્વારા તા. 9 થી 12 ડિસેમ્બર સુધી આયુર્વેદ સ્વાસ્થ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વાસ્થ્ય મેળાનું આજે પૂ. 108 કૃષ્ણમણિજી મહારાજ, કલેકટર ડો. સૌરભ પારઘી, મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડી, વી.સી. અનુપ ઠાકર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ધનવંતરી મેદાન ખાતે આઇટીઆરએ દ્વારા આયુર્વેદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજથી તા. 12 ડિસેમ્બર સુધી આયુર્વેદ ચિકિત્સા મુજબ બિમારીઓનું નિદાન કરવામાં આવશે. તેમજ જરુરી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત આયુર્વેદીક ઔષધિઓના રોપાનું વિતરણ, વિસરાતી વિરાસત (આયુર્વેદ વાનગી) સહિતના કાર્યક્રમો યોજાશે. આ ચાર દિવસ દરમિયાન સવારે 9 થી રાત્રીના 9 વાગ્યા સુધી નાગરિકો આ વિનામૂલ્યે સ્વાસ્થ્ય મેળાનો લાભ મેળવી શકશે. જેમાં આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ સાથે જોડાયેલા તબીબો અને તબીબી છાત્રો સેવા આપશે. આજરોજ સવારે આ આયુર્વેદ સ્વાસ્થ્ય મેળાનો પ્રારંભ થયો હતો.