જામનગર શહેરના વામ્બે આવાસ પાસના વિસ્તારમાં ધકો લાગવાની બાબતે એક શખસ દ્વારા બે યુવાન મિત્રો ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસે રહેતા અને રીક્ષા ચલાવતો આફિસ હુશેન મકરાણી અને તેનો મિત્ર ઈમરાન બંને યુવાનો ગુરૂવારે બપોરના સમયે પાનની દુકાન પાસે બેઠા હતાં તે દરમિયાન સુનિલ નામના વ્યક્તિને ધકો લાગતા સુનિલે ઉશ્કેરાઈને ઈમરાન સાથે બોલાચાલી કરી હતી. જેથી આસિફે સુનિલને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા સુનિલે છરી કાઢી ઈમરાન ઉપર જીવલેણ હુમલો કરતા સાથળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઘવાયેલા ઈમરાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીઆઈ પી એલ વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી આસિફ મકરાણી નામના યુવાનના નિવેદનના આધારે સુનિલ વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.