જામનગર શહેરમાં રણજીતનગર જૂના હુડકોમાં રહેતાં અને હોમગાર્ડમાં ફરજ બજાવતા યુવાન તેના સમાજના સમૂહલગ્નમાં ગયો હતો. તે દરમિયાન લગ્ન પ્રસંગમાં સ્પ્રે ઉડાડવા બાબતે બોલાચાલી થતાં ચાર શખ્સોએ યુવાન ઉપર મુઠ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતનગર જૂનો હુડકો ઘર નં.1155 માં રહેતો અને હોમગાર્ડઝમાં ફરજ બજાવતો કાનજીભાઇ ગાગજીભાઈ પરમાર નામનો યુવાન સોમવારે રાત્રિના સમયે મેહુલ સિનેમેકસ સામે તેના સમાજના સમૂહલગ્ન યોજાયા હતાં ત્યાં ગયો હતો તે દરમિયાન લગ્નમાં લીકવીડવાળો સ્પ્રે ઉડાડતા હોય જેથી લોકોને બળતરા થતી હતી. આ બાબતે કાનજીભાઈએ પોલીસ બોલાવવાની વાત કરી હતી. જેનો ખાર રાખી રાહુલ સોમા ચાવડા અને તેના ત્રણ મિત્રો સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી કાનજીભાઈને આંતરીને મુંઠ વડે માથામાં તથા શરીરે અને વાંસામાં હુમલો કરી મુંઢ માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલો કર્યાના બનાવમાં પોલીસમાં જાણ કરાતા પીએસઆઈ એન.જે. રાવલ તથા સ્ટાફે કાનજીભાઇના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો કર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.