જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરજર ગામે રહેતા એક યુવાનના પત્ની ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રિસામણે બેઠા હોય, તેનું સમાધાન કરવા ગયેલા જમાઈ પર સસરા, સાળા સહિતના શખ્સોએ હુમલો કર્યા થયા બાદ તેણે ઝેરી દવા પી લીધી હોવાનો બનાવ બહાર આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ, લાલપુર તાલુકાના બબરજર ગામે રહેતા હરેશભાઈ ડાયાભાઈ પરમાર નામના યુવાનના લગ્ન આજથી આશરે સોળેક વર્ષ પહેલા ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતા ડાયાભાઈ કુંભાભાઈ હાથીયાની પુત્રી ખતુબેન સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને પાંચ પુત્રી તથા એક પુત્રનો જન્મ થયો હતો.
છેલ્લા આશરે પાંચેક માસથી ખતુબેન તેમના માવતરે રિસામણે હોય, આ અંગેનું સમાધાન કરવા માટે ગત તા. 22 મી મેના રોજ હરેશભાઈ તેમના સાળાના બોલવાથી શેઢાખાઈ ગામે ગયા હતા. જ્યાં તેમના સસરા ડાયાભાઈ, કાકાજી સસરાના દિકરા વિપુલ માયાભાઈ હાથીયા, હસમુખ માયાભાઈ હાથીયા અને ભુપત માયાભાઈ હાથીયા નામના ચાર શખ્સો હાજર હતા.
વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા સસરા તથા સાળાએ હરેશભાઈને પાઈપ તથા લાકડીથી બેફામ માર મારતાં તેમને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ સાથે ભાણવડની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યાંથી સ્વસ્થ થઈને હરેશભાઈ ઘરે પરત આવતા ખૂબ જ હતાશ રહેતા હરેશભાઈએ ગઈકાલે બુધવારે- ‘આ લોકો મને જીવવા નહીં દે એટલે મેં મારું કામ કરી લીધું છે. મારે મરી જવું છે’- તેમ કહીને ઝેરી દવા પી લેતાં તેને ગંભીર હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજૂક ગણાવવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે હરેશભાઈના ભાઈ વિજયભાઈ ડાયાભાઈ પરમાર (ઉ.વ. 30, રહે. જામનગર) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે સસરા સહિત ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.