દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રવિવારે સાંજના સમયે જાહેરમાં રમાતા જુગાર ઉપર દરોડાની કામગીરી કરવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર સ્થાનિક શખ્સો દ્વારા હુમલો કરી, આશરે એકસો જેટલા શખ્સોના ટોળાએ જુગારીઓને છોડાવી લીધા હતા. બાદમાં સર્જાયેલી બબાલ વચ્ચે આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જો કે પોલીસ દ્વારા સધન કોમ્બિંગ હાથ ધરી, અને દરોડાની કાર્યવાહીઓ કરી, એક આરોપી શખ્સને દબોચી લીધો હતો. જ્યારે અન્ય શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે આવેલી આહિર સમાજની વાડી પાસે હોળીના દિને રવિવારે સાંજે કેટલાક શખ્સો ગંજીપત્તા વડે વડે પાટલો માંડી અને જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પરથી ભાણવડ પોલીસ મથકના ડી સ્ટાફના કર્મચારીઓ- અધિકારીએ આ સ્થળે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં મેસુર પીઠા કનારા, પરબત ઉર્ફ પબો દેવાણંદ ચાવડા, અરજણ ઉર્ફે કાલી સામતભાઈ કનારા, ગોવા દેવાણંદ ચાવડા, માલદે દેવરખી કનારા તથા અન્ય બે અજાણ્યા શખ્સો આ સ્થળે પાટલો માંડી અને જુગાર રમી રહ્યા હતા.
જેથી પોલીસે દરોડાની કાર્યવાહી કરી, ઉપરોક્ત શખ્સોને રૂા. 16,470 ની રોકડ રકમ સાથે દબોચી લીધા હતા. આ દરોડાની કાર્યવાહીમાં પોલીસ દ્વારા ઉપરોક્ત આરોપીની ધરપકડ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન આ સ્થળે કરસન પાલા ચાવડા, વલ્લભ પાલા ચાવડા, રામ મોહન નંદાણીયા, લખમણ જીવા ચાવડા, જગુ કરશન નંદાણીયા, સુમિત ડાડુ ચાવડા, ગોગન કારા વરૂ, સહિત આશરે એકસો જેટલા સ્થાનિક શખ્સોનું ટોળું આ સ્થળે ધસી આવ્યું હતું.
પોલીસ કાર્યવાહી દરમિયાન ધસી આવેલા આ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી, એકસંપ કરી અને પોલીસ કર્મચારીઓ સાથે કરી અને ગાળો કાઢી, પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આ દરમિયાન પોલીસના કબ્જામાં રહેલા ઉપરોક્ત પાંચ આરોપી તથા બે અજાણ્યા શખ્સોએ પણ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી અને આ સ્થળે ફરજ પર રહેલા એએસઆઈ લખમણભાઇ લાખાભાઈ ગઢવીને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, રેડ કરવા આવેલી પોલીસ પાર્ટી સાથે ઝપાઝપી કરી અને બોલાચાલી બાદ આવેલું ટોળું જુગારીઓને છોડાવીને લઈ ગયું હતું. આમ જુગારીઓએ નાશી જઈ, ઉપરોક્ત અન્ય સાત શખ્સો સહિતના ટોળાએ બબાલ સર્જી, પોલીસની ફરજમાં રૂકાવટ કરી, આરોપીઓને છોડાવી અને નાશી છૂટયા હતા. આ બનાવ બનતા અહીંના ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી, સ્થાનિક પી.એસ.આઈ. તથા સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને શનિવારે આખી રાત કોમ્બિંગ કરી અને આરોપીઓના રહેણાંક મકાન સહિતના જુદા-જુદા સ્થળોએ દરોડાની કામગીરી કરી હતી. આ દરોડાની કાર્યવાહી દરમિયાન એક સુમાત ડાડુ ચાવડા નામનો એક શખ્સ પોલીસને હાથ લાગ્યો હતો. જેથી તેને વિધિવત રીતે અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે સાત જુગારીઓ સહિત આશરે એકસો જેટલા શખ્સોના ટોળા સામે ફરજમાં રૂકાવટની કલમ આઈ.પી.સી. કલમ 332, 186, 143, 147, 149, 153, 224, 225 તથા 504 મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એન.એચ. જોષી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બનાવે નાના એવા ‘મોટા કાલાવડ’ ગામ સાથે પોલીસ બેડામાં ભારે ચકચાર સાથે દોડધામ પ્રસરાવી છે.