જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા એવરેસ્ટ પાર્ક સોસાયટીમાં વીજ રીપેરીંગ કામગીરી દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓની કામગીરીમાં ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદના આધારે પોલીસે ફરજમાં રૂકાવટ અને હુમલાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મારૂ કંસારા હોલ પાસે રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા પ્રકાશ પરશોતમભાઈ રાઠોડ અને તેમની ટીમ શનિવારે મધ્યરાત્રિના સમયે કાલાવડ નાકા બહાર આવેલા એવરેસ્ટ પાર્ક સોસાયટીમાં ફોલ્ટ થવાથી રીપેરીંગ માટે ટીમ ગઈ હતી જ્યાં રીપેરીંગ કરતા સમયે નવસાદ સંધી, સિકંદર સમા અને ભુરો નામના ત્રણ શખ્સોએ પીજીવીસીએલના કર્મચારી પ્રકાશ રાઠોડ અને અપશબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલો કર્યાના બનાવમાં કર્મચારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એન.વી. હરીયાણી તથા સ્ટાફે પ્રકાશ રાઠોડના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હુમલાખોરોની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.