જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા યુવાન ઉપર પોલીસમાં દારૂ અંગેની બાતમી આપી ધરપકડ કરાવતો હોવાની શંકા રાખી બે ભાઈઓએ યુવાન ઉપર લોખંડના પંચ અને લાકડી વડે હુમલો કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની નીલકમલ સોસાયટીમાં રહેતાં પોપટભાઈ ભારવડિયા નામનો યુવાન મનસુખ અને રાજેશ પરમારની દારૂ અંગેની બાતમી પોલીસને આપી ધરપકડ કરાવતો હોવાની શંકા રાખી મનસુખ ગોપાલ પરમાર, રાજેશ ગોપાલ પરમાર નામના બે ભાઈઓએ ગત રવિવારે રાત્રિના સમયે પોપટને આંતરીને લોખંડના પંચ વડે ગાલમાં માર મારી દાંત પાડી નાખ્યા હતાં તેમજ બન્ને ભાઈઓએ લાકડી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત યુવનના નિવેદનના આધારે બે ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.