લાલપુર ગામમાં રામ મંદિર પાસેના વિસ્તારમાં બેસવા નહીં આવવાની નજીવી બાબતે વેપારી યુવાન ઉપર ચાર શખ્સોએ છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર ગામમાં આવેલા રામ મંદિર નજીક મોદી શેરીમાં રહેતો હાર્દિક જગદીશભાઈ સચદેવ (ઉ.વ.26) નામના યુવાનને બિસ્ટોલનું પાકીટ લઇ બેસવા માટે તેના મિત્રએ બોલાવ્યો હતો. પરંતુ હાર્દિક ત્યાં બેસવા ગયો ન હતો. જેથી હાર્દિકના મિત્રએ બાઈકની ચાવી આપતા નથી તેવું જણાવતા હાર્દિક સ્થળ પર ગયો હતો જ્યાં જય ગીરીશ રૂપારેલ, ગીરીશ પ્રભુદાસ રૂપારેલ, લખન હિરાણી અને પ્રતિક હિરાણી નામના ચાર શખ્સોએ એકસંપ કરી ‘બેસવા કેમ આવતો નથી ? તને શેની હવા છે ?’ તેમ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. અને લખને છરીનો ઘા ઝીંકયો હતો તેમજ હાર્દિકને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલા બાદ હાર્દિક દ્વારા જાણ કરાતા હેકો એ.જે. સિંહલા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.