ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામના બસ સ્ટેન્ડ સામે વાસ્મોનું પાણીની પાઈપલાઇનનું કામ ચાલુ હતું તે સ્થળે સરપંચ સાથે વાતચીત કરતાં સમયે ગામના એ જ એક શખ્સે ઉશ્કેરાઈને લોખંડનું ટાયર ખોલવાના પાના વડે માથામાં હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
હુમલાની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામના સરપંચ વિજયભાઈ બાબુભાઇ ભંડેરી (ઉ.વ.30) નામનો યુવાન સોમવારે સવારના સમયે ગામના બસ સ્ટેન્ડ પાસે વાસ્મોનું પાણીની પાઈપલાઈનનું કામ ચાલુ હતું તે સ્થળે ગયા હતાં ત્યાં પંચરવાળા રાજેશગીરીની દુકાને ઉભેલા નરેન્દ્ર રાઠોડ સાથે વાતચીત કરતા હતાં તે દરમિયાન અચાનક ઉશ્કેરાયેલા નરેન્દ્ર મેઘજી રાઠોડ નામના શખ્સે પંચરવાળા રાજેશગીરીની દુકાનમાંથી લોખંડનું ટાયર ખોલવાનું પાનુ લઇ સરપંચના માથામાં એક ઘા ઝીંકી દીધો હતો. એકાએક સરપંચ ઉપર કરાયેલા હુમલાથી લોકો એકઠાં થઈ ગયા હતાં. બાદમાં સરપંચને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા એએસઆઈ એમ.પી. મોરી તથા સ્ટાફે સરપંચના નિવેદનના આધારે નરેન્દ્ર રાઠોડ વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.