જામનગર તાલુકાના રાવલસર ગામમાં રહેતી મહિલાને ઘર કામ કરવા જવાની બાબતે તેના પતિએ જ અપશબ્દો બોલી છરીનો ઘા ઝીંકી હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના રાવલસર ગામમાં ચંદરીયા સ્કૂલ સામેના વિસ્તારમાં રહેતાં માણસીબેન ઉર્ફે લક્ષ્મીબેન અજમલ રાજાણી (ઉ.વ.35) નામના મહિલાને ઘરકામ કરવા જવાની તેણીના પતિએ ના પાડતા પત્નીએ ઘરકામ કરવા જવામાં તમને શું તકલીફ છે ? તેમ પૂછતા પતિ અજમલ લુણા રાજાણી નામના શખ્સે ઉશ્કેરાઈને ગાળો કાઢી છરીનો ઘા ઝીંકયો હતો અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. પતિ દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલી 5ત્નીએ આ બનાવ અંગે જાણ કરતા હેકો જે.જી.રાણા તથા સ્ટાફે અજમલ રાજાણી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.