દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ સમગ્ર જિલ્લાના દર્દીઓ માટે રાહત રૂપ છે. ત્યારે અહીંની હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ નિષ્ણાત તબીબોની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી હતી.
તાજેતરમાં રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર અશોક શર્માની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંની હોસ્પિટલમાં વિવિધ તજજ્ઞ તબીબોની જગ્યા ભરવા માટે યોજવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર મનોજ કપૂર તેમજ આર.એમ.ઓ. ડો. કેતન ભારથીના વડપણ હેઠળ યોજવામાં આવેલા આ વોક ઈન ઇન્ટરવ્યૂમાં બાળ રોગ નિષ્ણાત, સ્ત્રી રોગ નિષ્ણાત તબીબ સહિત ત્રણ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની નિમણૂક કરવા માટેની કાર્યવાહી કરાઈ હતી.
હાલ સરકારી સિવિલ હોસ્પિટલમાં થોડા સમય પૂર્વે નેત્રરોગ નિષ્ણાત તથા ઓર્થોપેડિક સર્જનની નિયુક્તિ બાદ વધુ ત્રણ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની નિયુક્તિથી હવે સરકારી હોસ્પિટલમાં મહદ અંશે રોગોની સારવાર સરળતાપૂર્વક થઈ શકશે. જેથી દર્દીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે નવ નિર્માણ પામેલી 150 બેડની સરકારી સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી 90 બેડનું મહેકમ છે. જે મુજબ 90 બેડના નર્સિંગ સ્ટાફ તથા સ્વીપર, સફાઈ કામદારો તથા અન્ય સ્ટાફ ફરજ પર છે.
વર્ષ 2013માં દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરથી અલગ થતા હાલ 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી અહીંની સરકારી હોસ્પિટલમાં 150 બેડની સવલત પ્રાપ્ય છે અને અહીં આટલા જ દર્દીઓ સારવારનો લાભ લ્યે છે. પરંતુ તેની સામે વર્ગ-3 અને વર્ગ 4ના 90 બેડ મુજબના જ કર્મચારીઓ છે. આ પરિસ્થિતિમાં સ્ટાફની અછતના કારણે તેમજ કોઈ સ્ટાફ રજા પર જતા શૌચાલય સહિતની સાફ-સફાઈ વિગેરે બાબતે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે અને ગંદકી પણ જોવા મળે છે.
ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરા હાલ કેબિનેટ મંત્રી તરીકે કાર્યરત છે. ત્યારે અહીંની સિવિલ હોસ્પિટલના સ્ટાફનું મહેકમ જે 90 બેડનું છે, તે 150 બેડની સુવિધા મુજબ અપગ્રેડ કરીને જરૂરી સ્ટાફની તાકીદે ભરતી કરવામાં આવે તેવી પણ માંગ દર્દીઓમાં ઉઠી રહી છે.