જામનગર સ્ટેટ જીએસટી કચેરીમાં અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓમાં નિમણુંક થતા વેપારીઓના પ્રશ્નો તેમજ જીએસટીને લગતી કામગીરીઓનો ઝડપી નિકાલ આવતા વેપારીઓને રાહત મળશે.
જામનગર સ્ટેટ જીએસટી કચેરીઓમાં લાંબા સમયથી ખાલી પડેલી અધિકારીઓની જગ્યાઓ પર નિમણુંક થયેથી જીએસટી વિભાગની રોજ બરોજની કામગીરીમાં ઝડપ આવશે. વેપારીઓ તેમજ વિવિધ એસોસીએશનની રજુઆતો થયા બાદ સ્ટેટ જીએસટી લાંબા સમયથી ચાર્જમાં ચાલતી વર્તુળ 24 ની નાયબ રાજ્ય વેરા કમિશનરની ખાલી જગ્યાએ હિતેશભાઇ દેસાઇની નિમણુંક થયેલ છે. ઘટક 98 અને ઘટક 100 માં સહાયક રાજ્યવેરા કમિશનર તરીકે અનુક્રમે સંજયભાઇ પટેલ અને ભરતભાઇ જીયડની નિમણુંક થયેલ છે અને ઘટક કક્ષાએ રાજ્યવેરા અધિકારીઓની નિમણુંક થતા વેપારીઓનાં વિવિધ પ્રશ્ર્નો તેમજ જીએસટીને લગતી વિવિઘ કામગીરીનો ઝડપી નિકાલ આવશે.
ઉપરોક્ત નિમણુંક થયેથી જામનગર કાર્યક્ષેત્ર હેઠળનાં વેપારીઓનાં ધંધાને લગતા રજીષ્ટ્રેશન, રીફંડ, એસેસમેંન્ટ, રીકવરી, એમનેસ્ટી સ્કીમ જેવા વિવિધ કાર્યો ઝડપી અને સરળ બનશે. અધિકારીઓ દ્વારા વધુમાં વધુ કાર્યનું ઝડપી અને સમય મર્યાદામાં ગુણવત્તા સાથેની કામગીરી થઇ શકશે.
વધુમાં તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જીએસટી એમનેસ્ટી સ્કીમને બાબતની કામગીરીમાં પણ ઝડપ આવશે અને વધુ સારી રીતે કામગીરી થઇ શકશે. જીએસટી એમનેસ્ટી સ્કીમનો વધુમાં વધુ વેપારીઓ લાભ લઇ શકે અને યોજનાને બહોળો પ્રતિસાદ મળી રહે તે માટે જીએસટી એમનેસ્ટી સ્કીમ બાબતનાં ઇંન્ટીમેશન પત્રો પણ વેપારીઓને ટપાલ તથા ઇમેઇલ દ્વારા પાઠવવામાં આવેલ છે અને વેપારીઓનો ટેલીફોનીક સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે. જેથી વેપારીઓને ઉક્ત યોજના બાબતની યોગ્ય માહિતી મળી રહે અને સમય મર્યાદામાં વેપારીઓ ઓનલાઇન અરજી કરી શકે.


