જામનગરમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા આજે વિશ્વકર્મા જન્મજયંતિ નિમિતે આંગણવાડી કાર્યકર તથા હેલ્પર મહિલાઓના પ્રશ્નના નિરાકરણ માટે કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું.
આજે શ્રમિકોના આરાધ્યદેવ વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ નિમિતે ભારતીય મજદૂર સંઘ દ્વારા રાજયના તમામ જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ભારતીય આંગણવાડી સંઘ જામનગર દ્વારા મુખ્યમંત્રીને કલેકટર મારફતે આવેદન પત્ર પાઠવી પડતર પ્રશ્નોનો ઉકેલ લઇ આવવા માંગણી કરી હતી. આવેદન પત્રમાં આંગણવાડી સુપરવાઇઝર અને હેલ્પર બહેનોને સરકારી નિયમ અનુસાર 50 ટકા રેશીયા પ્રમાણે જિલ્લામાં બઢતી આપવી અને આ બઢતી નિયમિત રીતે સિન્યોરીટી પ્રમાણે આપવામાં આવે તથા આંગણવાડી કાર્યકર બહેનોની કોરોના સર્વે કામગીરી વર્ષ 2019 થી અત્યાર સુધી કરે છે તેઓને દૈનિક રૂપિયા 150 ચૂકવવામાં આવે ઉપરાંત બ્લાઉઝની સિલાઇની રકમ પૂરતી ન હોવાથી તેમાં વધારો કરવો તથા પૂરક પોષણના નાસ્તા માટેનું રાશન અને ગેસ સિલિન્ડર આંગણવાડી કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવે તેમજ મીની આંગણવાડીને વસ્તીના ધોરણે ફેરવવામાં આવે તથા મીનીમમ વેજ પ્રમાણે પગાર ચૂકવવામાં આવે ઉપરાંત આંગણવાડી સુખડી માટેનો સામાન આઇસીડીએસ દ્વારા ખરીદવામાં આવે તથા રજીસ્ટરો, એનપીઆર પત્રક-4 વગેરે નિયમિત પૂરા પાડવામાં આવે તથા સરકાર જે મોબાઇલ આપે છે તેમાં વોટ્સએપ એપલિકેશન કરાવીને ઉપયોગ કરાવવામાં આવે અને અંગત મોબાઇલનો ઉપયોગ બંધ કરાવવામાં આવે તેવી માંગણી જિલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ત્રિવેદી, મંત્રી આરતીબેન વારા અને વિભાગ મંત્રી સરસ્વતીબેન જેઠવા કાર્યકરો સહિતનાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું