ભારતીય સેનામા કોર કમાન્ડર્સની બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઇઝરાયલ હમાસ યુદ્ધ અંગે સવિસ્તર વિશ્લેષણ કરતાં કોર કમાન્ડર્સને સાવચેત રહેવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે પરિસ્થિતિ એવે તબક્કે પહોંચી ગઈ છે કે જ્યારે ગમે ત્યાં ગમે ત્યારે ન ધારેલું બની શકે તેમ છે. માટે સતત તૈયાર રહેવું અનિવાર્ય છે.
આ સાથે તેમ પણ જાણવા મળ્યું છે કે ભારતની સરહદો પર અણચિંતવ્યા હુમલા થવાની શક્યતાને બરોબર નજરમાં રાખી ભૂમિદળે હજ્જારો કરોડ રૂપિયાની કિંમતની આપત્તિકાલીન ખરીદી શરૂ કરી દીધી છે. તેમાં એન્ટી ડ્રોન સીસ્ટમ્સ, લોજિસ્ટિક્સ યુએવીઝ, લોઇટર એમ્યુનેશન્સ અને ગ્રાઉન્ડ સેન્સર્સ આત્મ નિર્ભર ભારત પ્રક્રિયા નીચે ખરીદાઈ રહ્યાં છે. આથી સીમાઓ અને સરહદો ઉપર અણચિંતવ્યા હુમલાઓ થાય તો તેને પહોંચી વળવાની સંપૂર્ણ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીરમાંથી થઇ રહેલી ઘૂસણખોરી નાથવા સખત પગલાં ભરવામાં આવ્યાં છે. આર્મી કોર કમાન્ડર્સની ગયા મહીને થયેલી બેઠકમાં સશસ્ત્રદળોનાં સિલેક્ટ ગુ્રપની રચના કરવા તેમની જાસૂસી માહિતી એકત્રિત કરવા વિચારણા થઇ હતી. આ જવાબદારી વિદેશ મંત્રાલયે નિભાવવાની છે તેમ પણ નિશ્ચિત કરાયું હતું. આ સાથે ઇઝરાયલ હમાસ યુદ્ધ સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ જાય તો ભારતે શી તૈયારીઓ કરવી તે વિષે પણ આ લંબાણ બેઠકમાં ચર્ચા થઇ હતી.
આ સાથે ભારતીય નૌકાદળે પણ તેના તમામ યુદ્ધ જહાજો ને, વિશેષત: પશ્ર્ચિમ તટ ઉપરના બેડાનાં જહાજોને તૈયારીની સ્થિતિમાં મુકવાનો પ્રારંભ કરી દીધો છે. તેટલું જ પરંતુ જે જહાજો પૂરતા તૈયાર જ હોય તેના કેપ્ટન વાઇસ કેપ્ટન ઉપર કઠોર પગલાં લેવામાં આવશે. તેમ સ્પષ્ટ ચેતવણી અપાઈ ગઈ છે. આ હુક્મનામામાં કોસ્ટ ગાર્ડ્ઝને પણ આવરી લેવાયા છે.
આની પાશ્ર્ચાદભૂમિમાં 26-11ના દીવસે મુંબઇમાં બન્યું તેવું ફરી ન બને તે જોવાની તૈયારી છે. તેથી ભારતના 7,500 કી.મી. લાંબા સમુદ્રતટ ઉપર ક્યાંયે પણ 2008માં બન્યું હતું તેવું ન બની શકે તે માટે નૌકાદળ સાબદું કરાઈ રહ્યું છે. 26/11/2008ના દીવસે એલ.ઇ.ટી.ના આતંકીઓએ નરીમાન પોઇન્ટ નજીકનાં આબાદ-હાઉસને મુખ્ય નિશાન બનાવ્યું હતું. તે કોમ્પ્લેક્ષમાં યહૂદીઓ જ વધુ પ્રમાણમાં રહે છે. તેથી તેને મુખ્ય નિશાન બનાવવામાં આવ્યું હતું. પરંતુ તેમાં તે બહુ ફાવ્યા નહીં ઉલટાનો એક આતંકી કસાબ સલામતી દળોના હાથમાં જીવતો પકડાઈ ગયો. તેણે કબૂલ્યું હતું કે આ સમગ્ર સાજીશ કરાચીમાં જ રચવામાં આવી હતી. આતંકીઓ પૈકી કેટલાયે અત્યારે પાકિસ્તાનમાં આશ્રય લઈ રહ્યા છે.
ભારતે વારંવાર કરેલી તાકીદ છતાં પાકિસ્તાન સરકાર તેમની ઉપર કશાં પગલાં લેતી નથી. ઇઝરાયલ હમાસ યુદ્ધ અંગે ભારતનું તારણ તે છે કે, ગાઝામાંથી સુન્ની સલાકી જૂથોને દૂર કરવામાં આવે (કે ખતમ કરવામાં આવે) તો જ આ યુદ્ધ શમે તેમ છે.સૌથી મોટી ચિંતા તો ઇરાન તે યુદ્ધમાં ઝંપલાવે તેની છે. તેનાં પીઠબળમાં શિયા-હીઝબુલ્લા જૂથ ઉત્તરનો મોર્ચો ખોલી રહ્યું છે. આ યુદ્ધમાં તૂર્કી, કટાર, અને સીરીયા ઉમ્માહનાં નામે ઝંપલાવે તેવી આશંકા છે. કટાર મુસ્લીમ બ્રધર હૂડ સંગઠનનું કેન્દ્ર છે. આ સંગઠનને ઇજીપ્ત યુએઇ અને સઉદી અરબસ્તાને પ્રતિબંધિત કર્યું છે પરંતુ મુસ્લીમ બ્રધરહૂડના નેતાઓ અને હમાસના નેતા ઇસ્માઈલ હાનીયેહ કટારમાં આશ્રય લઇ રહ્યા છે.