કલ્યાણપુરના રૂા.86 લાખ 50 હજારના વ્યાજ વટાવ તથા મારી નાખવાની ધમકી આપવાના કેસમાં દેવભૂમિ દ્વારકા અદાલત દ્વારા આરોપીઓની આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયાના દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઈટર અરજણભાઈ આંબલિયાએ ભાટિયાના મનસુખલાલ હરીદાસ દાવડા પાસેથી અલગ અલગ સમયે રૂા.40 લાખની રકમ હાથ ઉછીની લીધી હતી. જે માટે અલગ અલગ તારીખોના કોરા ચેકો આરોપીઓએ લીધા હતાં. ત્યારબાદ ફરિયાદીને આરોપીને 40 લાખના બદલામાં અત્યાર સુધીમાં 86 લાખ 50 હજારની રકમ ચૂકવી હોવા છતાં આરોપીએ ફરિયાદીના કોરા ચેક પરત આપ્યા ન હતાં. ત્યારબાદ ફરિયાદી તથા તેનો પુત્ર તેમની દુકાન પાસે બેઠા હોય આ દરમિયાન આરોપી મનસુખલાલ ત્યાં પહોંચી ફરિયાદીને જણાવેલ કે, ચાલુ વર્ષથી દર મહિને રૂા.50,000 ચૂકવેલ નથી અને હજુ રૂા.72 લાખ 50 હજાર ચૂકવવા પડશે નહીં તો બેન્કના બધા જ ચેકમાં મોટી રકમ ભરી બેંકમાં વટાવવાની ધમકી આપી હતી. આથી ફરિયાદીએ જણાવ્યું હતું કે, 40 લાખના બદલામાં રૂા.86 લાખ 50 હજાર ચૂકવેલ છે અને હવે રૂપિયા નથી આથી આરોપી મનસુખલાલે જેમ ફાવે તેમ અપશબ્દો બોલી રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આથી ફરિયાદી દ્વારા કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ મનસુખ હરીલાલ દાવડા તથા પ્રતિક મનસુખલાલ દાવડા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ આરોપીઓએ જામીન મુકત થવા દ્વારકા જિલ્લાની અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે કેસમાં આરોપીના વકીલ નિતલ ધુ્રવની દલીલો તથા હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓ રજૂ કરતા દ્વારકાના એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા તમામ દલીલ અને ચૂકાદા ધ્યાને લઇ આરોપીઓને રૂા.15000 ના આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપીઓ તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધુ્રવ, ડેનીશા એન. ધ્રુવ, પુજા એમ. ધ્રુવ, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી, અલ્ફાઝ એ. મુન્દ્રા, અશ્વિન એ. સોનગરા તથા વી.એમ. પંચમતિયા રોકાયા હતાં.