દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં આરોગ્યને અતિ નુકસાનકર્તા એવી આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપ સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી અને આવા વિક્રેતાઓ, હોલસેલર તેમજ ઉત્પાદકો સામે કડક હાથે કામગીરી કરી છે. તાજેતરમાં ઓખામાં બે વેપારીઓ સામે નોંધાયેલી ફરિયાદના મૂળમાં પહોંચી, જિલ્લા પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત આઠ શખ્સોને દબોચી લીધા હતા. આ પછી ભાણવડના વધુ એક દુકાનદાર સામે ગેરકાયદેસર રીતે આયુર્વેદિક સીરપ વેચવાના પ્રકરણમાં ધોરણસર ગુનો નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડના ફતેપુર ગામ ખાતે રહેતા અને રાધે ક્રિષ્ના નામની દુકાન ધરાવતા ચિરાગ રામભાઈ રાવલીયા નામના 29 વર્ષના આહિર યુવાનની દુકાનમાંથી ગત તારીખ 8 ઓગસ્ટના રોજ પોલીસે આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપી લીધો હતો. આ સીરપની ઉચ્ચ કક્ષાએ થયેલી લેબોરેટરી તપાસમાં આ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવામાં લોકોના આરોગ્યને નુકસાન થઈ શકે તે રીતનું આ આયુર્વેદિક પીણું વેચાતું હોવાથી ગુજરાત નશાબંધી ધારા તેમજ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટની જોગવાઈનું ઉલ્લંઘન થતું હોવાનું જાહેર થયું હતું. આ સીરપનો જથ્થો દુકાનદાર ચિરાગ રાવલિયાને એક હોલસેલ વેપારી તેની કાર મારફતે આપી ગયો હોવાનું પણ વધુમાં જાહેર થયું હતું. આયુર્વેદિક સીરપના આપવામાં આવેલા બિલમાં દર્શાવવામાં આવેલા જીએસટી નંબરના આંકમાં પણ ફેરફાર થયો હોવાથી સીરપના ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી, અને તેનો ખરા તરીકે ઉપયોગ કરવા અંગેનું સમગ્ર કાવતરું ખુલવા પામ્યું હતું.
આથી આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડના પી.એસ.આઈ. એમ.કે. ગઢવીએ જાતે ફરિયાદી બની અને ભાણવડના ચિરાગ રામભાઈ રાવલિયા, કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામના વિરેન્દ્રસિંહ સુરુભા જાડેજા, જામનગરમાં હાલ રહેતા અને મૂળ ખીજદડ ગામના અર્જુનસિંહ મહિપતસિંહ જાડેજા, જામનગરના અન્ય એક રહીશ દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, અમદાવાદના પંકજકુમાર પ્રભુદાસ વાઘેલા, મેસર્સ એએમબી ફાર્મા – સીલવાસાના પ્રોફાઈલ તેમજ મેસર્સ હર્બોગ્લોબલ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ પ્રોપરાઇટર ઉપરાંત અન્ય સંડોવાયેલા મનાતા શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે ધી ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમની કલમ તેમજ આઈ.પી.સી. કલમ 465, 467, 468, 471 તથા 120 (બી) મુજબ ગુનો નોંઘ્યો છે. આ પ્રકરણમાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે.