જામનગરની સાધના કોલોનીમાં ગઈ રાત્રે વધુ એક જર્જરીત બિલ્ડીંગ નો અડધો ભાગ ધરાસાઈ થઈ ગયો હતો, જે ધડાકાભેર અવાજ સંભળાતાં સોસાયટીમાં રહેતા અન્ય રહેવાસીઓ ડરના માર્યા ધરની બહાર આવી ગયા હતા, અને સમગ્ર રાત્રી દરમિયાન અજંપા ભરી શાંતિ રહી હતી, અને લોકો એ ધરાર જાગરણ કર્યું હતું.
સાધના કોલોની વિસ્તારમાં જર્જરિત બિલ્ડીંગ પડવાના ત્રીજા કિસ્સા બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ચોમાસાની સિઝનને લઈને જર્જરિત બિલ્ડીંગો જમીન દોસ્તી થઈ રહ્યા છે, ત્યારે અન્ય કેટલાક રહેવાસીઓ કે જેઓએ ગઈકાલની રાતની ઘટનાને લઈને અજંપા ભરી શાંતિ અનુભવી હતી, અને રાત્રિભર સુધી અનેક લોકો પોતપોતાના ઘરની બહાર એકત્ર થયેલા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પણ માઈક મારફતે લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી, તેથી પણ લોકોમાં ડર ફેલાયેલો જોવા મળ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, કોર્પોરેટર પાર્થ કોટડીયા સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ સાધના કોલોની વિસ્તારમાં બંદોબસ્તમાં જોડાયો હતો, અને જર્જરીત બિલ્ડીંગના આસપાસના વિસ્તારને દોરડું બાંધી કોર્ડન કરી નાખ્યો હતો.