સસ્તા વ્યાજદરે લોન મેળવવાના નામે ફાયનાન્સ કંપની બનાવી છેતરપિંડી કરતી ગેંગના એક શખ્સને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે વેરાવળ ખાતેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના નાગરિકો સાથે સોશિયલ મીડિયામાં અલગ અલગ પેજ બનાવી જાહેરાત આપી ઓછા સીબીલ સ્કોર છતાં સસ્તા વ્યાજદરે લોન આપવાના બહાને આધાર કાર્ડ તથા પાન કાર્ડ મેળવી લોનની પ્રોસેસીંગ ફી પેટે રૂપિયા ટ્રાન્સફર કરાવી લોન ન આપી છેતરપિંડી આચરી જામનગર સહિત રાજકોટ, સુરત, કચ્છ, વલસાડના 10 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં સાયબર ક્રાઈમની ટીમ તપાસમાં હતી આ દરમિયાન પકડાયેલ અન્ય આરોપીઓના એકાઉન્ટનું એનાલિસીસ દરમિયાન એકાઉન્ટધારકના લોકેશન વેરાવળ ખાતે આવતા હોય જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમના હેકો પ્રણવભાઈ વસરા, એલઆરપીસી વીકી ઝાલા, દર્શિત સીસોદીયા દ્વારા આરોપીના લોકેશનને આધારે અનિરૂધ્ધ ભાણા પરમાર નામના શખ્સને વેરાવળ ખાતેથી ઝડપી લીધો હતો અને અન્ય આરોપીઓની તપાસ હાથ ધરી છે. આ કેસમાં અગાઉ સાયબર ક્રાઈમે વિરલ ઉર્ફે શ્રેઆઈસ જગદીશ સિધ્ધપુરા, જાનકી ઉર્ફે ઈશિકા રવજી ધમસાણિયા તથા આરિફશા સતારશા નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. જેમાં આ ગેંગનો વધુ એક આરોપી ઝડપાયો છે.