જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં આવેલા વિજયનગર વિસ્તારમાં ભાડે દુકાનમાં ભંગાર તોડવાનું કામ કરતા સમયે એકાએક બ્લાસ્ટ થતાં વૃદ્ધ દંપતી ઘવાયું હતું. જેમાં વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને તેની પત્નીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા શંકરટેકરી વિસ્તારમાં રહેતાં લક્ષ્મણભાઈ લાલજીભાઈ ચૌહાણ (ઉ.વ.65) નામના વૃધ્ધ વિજયનગર વિસ્તારમાં આઠ વર્ષથી દુકાન ભાડે રાખે તેમાં ભંગાર તોડવાનું કામ કરતાં હતાં અને આ કામમાં તેની પત્ની કંચનબેન પણ મદદ કરતાં હતાં. દરમિયાન આજે સવારે ભંગાર તોડવાની કામગીરી દરમિયાન એકાએક કોઈ પદાર્થ આવી જતાં બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટ એટલો મોટો હતો કે 15 ફુટ દૂર ઉભેલી ઓટોરીક્ષાના કાચ પણ તૂટી ગયા હતાં. ઉપરાંત વૃધ્ધ દંપતી ગંભીર રીતે ઘવાયું હતું. જેમાં વૃદ્ધ લક્ષ્મણભાઈને ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી અને આજુબાજુના લોકોને બ્લાસ્ટ અંગે પૂછપરછ કરી હતી. જો કે, બ્લાસ્ટ કયા પદાર્થના કારણે થયો ? તે અંગે કોઇ ચોકકસ વિગતો પોલીસને સાંપડી ન હતી. જેથી પોલીસે આ અંગે વધુ તપાસ આરંભી હતી.