દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડાલિયા સિંહણમાં રહેતો યુવક જોડિયા નજીક તેના ટ્રક ઉપર તાલપત્રી ઢાંકીને નીચે ઉતરતો હતો તે દરમિયાન થ્રી-ફેસના વીજવાયરને અડી જતાં શોક લાગવાથી મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વડાલિયા સિંહણમાં રહેતો અજયભાઈ અરશીભાઈ ચાવડા (ઉ.વ.21) નામનો યુવક રવિવારે સાંજના સમયે જોડિયા તાલુકામાં સૂર્ય સોલ્ટ વિસ્તારમાં તેના ટ્રક ઉપર તાલપત્રી ઢાંકીને નીચે ઉતરતો હતો તે દરમિયાન થ્રી-ફેસના વીજવાયરને માથુ અડી જતા વીજશોક લાગવાથી બેશુદ્ધ થઈ ગયો હતો ત્યારબાદ યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની હરેન્દ્ર નકુમ દ્વારા જાણ કરાતા એએસઆઈ જી.સી. અઘેરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.