રાજયસરકાર દ્વારા આ વર્ષે ગણેશ ઉત્સવ ઉજવવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે જામનગર શહેરમાં ગણપતિ મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનો જામ્યુકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં ગણેશ ઉત્સવ દરમ્યાન મૂર્તિઓના વિસર્જન માટે વાલસૂરા રોડ પર મરીન પોલીસ ચોકીની સામે કૃત્રિમ તળાવ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ માટે રૂા.16 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં જામ્યુકો દ્વારા નદીઓ અને તળાવને પ્રદુષિત થતાં બચાવવા માટે ઉપરોકત જગ્યાએ જ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. દરમ્યાન આ વર્ષે પણ અહિં કૃત્રિમ તળાવ બનાવવા માટે વોર્ડ નં.2ના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા અને જયરાજસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી. જેના અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આજે ગુરૂવારે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં જૂદા-જૂદા 3.17 કરોડના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. જેમાં શહેરમાં વોર્ડ નં.15માં આવેલાં ગ્રીનસિટી વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામ માટે 2.72 કરોડ ના ખર્ચને પણ સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત શહેરના લાલપુર રોડ પાસે ર્કિતિ પાનથી અંદરની તરફના ડીપી રોડ પર વરસાદી પાણીના નિકાલ તથા આરસીસી કેનાલ બનાવવાના કામનું ખર્ચ વધી જતાં વધારાના ખર્ચના રૂા.2.11 કરોડને મંજૂરી આપવામાં આવી હતી. જયારે જુદાં-જુદાં વિસ્તારોમાં સિમેન્ટ રોડના ચરેડા પૂરવા તથા મરામત કામ માટે પણ 80 લાખના ખર્ચને બહાલીક આપવામાં આવી હતી. આ બેઠકમાં ડે.મેયર તપન પરમાર, મ્યુ.કમિશનર ખરાડી, ડે.કમિશનર વસ્તાણી, આસી.કમિશનર ડાંગર તેમજ જુદાં-જુદાં વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.