ગ્રામ પંચાયત ઇ-ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ, સમાન વેતન, લઘુત્તમ વેતનનો ભંગ થતો હોય, કમિશન પ્રથા બંધ કરાવી ફિકસ વેતનથી નિમણૂંક આપી સરકારી કર્મચારીનો દરજ્જો આપવા સહિતની વિવિધ માગણીઓને લઇ વીસીઇ મંડળ દ્વારા આજરોજ જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા દ્વારા પણ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વીસીઇ મંડળ દ્વારા પગાર ધોરણ સહિતના પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરી છે. માગણીઓનું નિવારણ ન થતાં તા. 21-10-2021થી હડતાલની જાહેરાત પણ કરી હતી. જેથી પંચાયત મંત્રી દ્વારા તા. 20-10-2021ના રોજ બેઠક કરી વીસીઇના પ્રશ્ર્નો અને માગણીઓ સ્વિકારી નિરાકરણ માટે બાહેંધરી આપી હતી. મુખ્યમંત્રીએ પણ બાહેંધરી આપી હતી. આમ છતાં હજૂ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી.
વીસીઇ મંડળ દ્વારા કમિશન પ્રથા બંધ કરી ફિકસ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવા, સરકાર સાથે 16 વર્ષથી વગર પગારે કામ કરતાં હોય, સરકારી કર્મચારી જાહેર કરી સરકારી લાભો આપવા, આરોગ્યલક્ષી સુવિધા આપવા પરિવાર સહિત વિમા કવચ આપવા, કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ વીસીઇને આર્થિક સહાય આપવા તેમજ વીસીઇને ગ્રામ પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે. જે બાબતે કડક જોબ સિક્યુરીટી બાબતનો જીઆર કરવામાં આવે અને સરકારી મંજૂરી વગર કોઇ પંચાયત વીસીઇને કાઢી ન શકે. તે અંગે નિર્ણય કરવા માગણી કરવામાં આવી છે. વીસીઇ મંડળના કર્મચારીઓ તથા હોદેદારો દ્વારા આજરોજ આ અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.