જામનગર તાલુકાના ખીમલિયા ગામમાં રામાપીરના મંદિર પાસે રહેતાં પ્રૌઢ તેના ઘરે ઓસરીમાં અચાનક પડી જતાં બેશુદ્ધ થઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના પટેલકોલોનીમાં રહેતાં વૃધ્ધાને બીમારી સબબ 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામમનગર તાલુકાના ખીમલિયા ગામમાં રામાપીરના મંદિર પાસે રહેતા ડાયાભાઇ બાવાભાઈ બાંભવા (ઉ.વ.55) નામના પ્રૌઢ ગત તા.8 ના રોજ સવારના સમયે તેના ઘરે ઓસરીમાં અચાનક પડી જતાં બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર મચ્છાભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.એમ.ઝાલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના પટેલકોલોની શેરી નં.10 મા રહેતા ધર્મેન્દ્રબાળા શરદચંદ્ર વ્યાસ (ઉ.વ.70) નામના વૃદ્ધાને છ વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી અને તે દરમિયાન શનિવારે સવારના સમયે તેના ઘરે શ્ર્વાસ લેવામાં તકલીફ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર નિર્મળભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.