અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા પોતાના બેંચમાર્ક વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ચાલુ વર્ષમાં વ્યાજ દરોમાં આ છઠ્ઠો વધારો છે. તેમજ સતત ચોથીવાર વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અમેરિકામાં વધતી મોંઘવારી અને નબળા રોજગારી આંકાડ વચ્ચે અર્થતંત્ર દબાણ હેઠળ છે અને 8 નવેમ્બરે મહત્વની મીડ ટર્મ ચૂંટણી પહેલા ફેડ રિઝર્વનું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેવામાં આ વાતને જો ભારતના સંદર્ભમાં જોવામાં આવે તો ભારતમાં પણ મોંઘવારી કાબૂમાં આવી રહી નથી અને આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેની ટોચની સંસ્થા મોનિટરી પોલિસીની બેઠક બોલવવામાં આવતા અનેક તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે. જેમાં એવી પણ શક્યતા જોવામાં આવી રહી છે કે મોંઘવારીને કાબૂમાં કરવા શું આરબીઆઇ પણ ફેડ રિઝર્વની જેમ આકરી નીતિ અપનાવશે?
યુએસ ફેડરલ રિઝર્વે સતત ચોથી વખત વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ જબરદસ્ત વધારા પાછળ ફેડની ફુગાવાનો દર ઘટાડવાની આક્રમક નીતિ હોવાનું માનવામાં આવે છે. બેન્ચ માર્કે સર્વસંમતિથી ફેડરલ ફંડ રેટની રેન્જને 3.75%થી વધારીને 4% કરી છે. આ સાથે વ્યાજ દર વર્ષ 2008 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આ જાહેરાત દરમિયાન, ફેડરલ રિઝર્વે પણ સંકેત આપ્યો છે કે તે ટૂંક સમયમાં તેના દરમાં વધારો થોડો ઘટાડી શકે છે. આ વધારાની જાહેરાત કરતા ફેડરલ રિઝર્વના ચીફ ગેરોલ પોવેલે કહ્યું કે અમને પૂરો વિશ્વાસ છે કે અમે ફુગાવાના દરને 2 ટકાના લક્ષ્યાંક પર પાછા લાવીશું. તાજેતરમાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતા વધુ આવ્યા છે. પોવેલે જણાવ્યું હતું કે ઊંચા ફુગાવા છતાં, આપણે લાંબા ગાળે સુધારાની અપેક્ષા રાખી શકીએ છીએ. બીજી તરફ, ભારત માટે આ વ્યાજ દર વધારાની સીધી અસર પડી શકે છે. તેમાં પણ ખાસ કરીને ભારત જેવી ડેવલોપિંગ ઈકોનોમી પર તેની સૌથી વધુ અસર થાય છે. કારણ કે જયારે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે છે, તો અમેરિકન રોકાણકારોને ઉભરતા બજારોમાંથી નાણાં પાછા ખેંચવાની ફરજ પડે છે. ગુરુવારે ભારતીય બજાર પર તેની મોટી અસર જોવા મળશે અને મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી ઘટાડો આવી શકે છે.