નવા વર્ષની ઉજવણી માટે જિલ્લામાં દારૂની રેલમછેલ થતી અટકાવવા પોલીસે એલર્ટ રહી છેલ્લાં એક સપ્તાહથી દારૂ અંગેના દરોડા પાડી રહી છે. દરમિયાન જામનગર તાલુકાના તમાચણ ગામમાંથી એલસીબીની ટીમે પૂર્વ મહિલા સરપંચના પતિને દારૂ અને બીયરના જથ્થા સહિત રૂા.6,75,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.1.29 લાખની કિંમતની 266 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. જામનગર શહેરમાં શાકમાર્કેટ પાસેથી રહેણાંક મકાનમાંથી રેઈડ દરમિયાન દારૂની પાંચ બોટલ સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જામનગરના રામનગરમાંથી 21 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
31 ડિસેમ્બરની ઉજવણી માટે રાજ્યમાં છેલ્લાં બે સપ્તાહથી દારૂની રેલમછેલ થઈ રહી છે. જોકે, કોરોના સંક્રમણના કારણે રાત્રિ કફર્યૂનો સમય વધારીને 11 થી સવારના 5 સુધીનો કરી દેવામાં આવ્યો છે. જેને કારણે નવા વર્ષની ઉજવણીમાં ભંગ પડયો છે. પરંતુ, આ ઉજવણી માટે મંગાવવામાં આવતા દારૂ ઉપર પોલીસે ઘોંસ બોલાવી અને જુદા-જુદા સ્થળેથી મોટાં જથ્થામાં દારૂ ઝડપી લઇ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત જામનગર તાલુકાના તમાચણ ગામમાં દારૂનો મોટો જથ્થો હોવાની એલસીબીના ભગીરથસિંહ સરવેયા તથા સંજયસિંહ વાળાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ. એસ. નિનામાા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ પાડવામાં આવી હતી.
રેઇડ દરમિયાન એલસીબીની ટીમે જામનગર તાલુકાના તમાચણ ગામમાં માંડવરાયના મંદિર પાસે રહેતા ઉપેન્દ્રસિંહ ઉર્ફે હકુભા માધુભા પરમારના મકાનના ફળિયામાં પાર્ક કરેલી જીજે-10-ડીઈ-7234 નંબરની ‘જીજી સરપંચશ્રી તમાચણ ગ્રામ પંચાયત’ લખેલી અર્ટીગાકારમાંથી રૂા.1,58,400 ની કિંમતની 396 બોટલ ઈંગ્લીશ દારૂ તથા રૂા.6800 ની કિંમતના બીયરના 68 ટીન તથા રૂા. 10 હજારની કિંમતના 2 મોબાઇલ અને રૂા.5 લાખની કિંમતની કાર મળી કુલ રૂા.6,75,200 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ઉપેન્દ્રસિંહની પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો રાજસ્થાનના દિપક પરમાર મારવાડી નામના બુટલેગર દ્વારા સપ્લાય કરાયો હોવાની કેફિયત આપી હતી. જેના આધારે એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતાં જિતેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ કે.વી. ઝાલા એએસઆઈ એ.જે. પોપાણીયા તથા કૌશિકભાઈ કાંબરિયા, પો.કો. કૃણાલભાઈ હાલા, પો.કો. નવલભાઈ આસાણી તથા પો.કો. સત્યજીતસિંહ વાળા તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.1.28 લાખની કિંમતની 256 બોટલ દારૂ અને રૂા.1,000 ની કિંમતની 10 બોટલ બીયર મળી કુલ રૂા.1.29 લાખનો દારૂ અને બીયરનો જથ્થો કબ્જે કરી જિતેન્દ્રસિંહની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં એમ.પી.શાહ ઉદ્યોગનગર પાસે રામનગરમાંથી પસાર થતા ઈન્દ્રસિંહ ઉર્ફે શંકરસિંહ ઉમેદસિંહ જાડેજાને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.10,500 ની કિંમતની 21 બોટલ દારૂ મળી આવતા શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરમાં શાકમાર્કેટ ભોયના ઢાળિયા પાસે રહેતા મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ દારૂ મળી આવતા પોલીસે મિતેશ જેરામ દાઉદીયા નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો સંજય ઉર્ફે વીકી સાઢુ કારા નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયતના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.