જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર બી.એ.શાહની ઉપસ્થિતિમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જામનગરના નવા ભળેલા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવી, જે જગ્યાએ કામ ચાલુ હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, જે વિસ્તારોમાં વધારે પાણીની જરૂરિયાત જણાય ત્યાં વ્યવસ્થા કરવી તેમજ લોકોની કોઈ સમસ્યાઓ હોય તો તેનો નિકાલ લાવવા અંગે મંત્રીએ લગત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જલ સે જલ યોજના હેઠળ કામગીરી, નાના થાવરીયા, મોડાગામ, વાગળિયા, ભાદરા, નાઘેડી, નવાનાગના ગામે પીવાના પાણીની પાઇપલાઇનની કામગીરી અંગે ચર્ચા, ઢીચડા અને વાવ બેરાજા ગામે પાણીનો નવો સંપ બનાવવો, વરણા-જગા-મેડી જુથ યોજનાનું સ્ટેટસ, સચાણા ગામે વસાહતમાં વધારો થયો હોવાથી મોટો સંપ બનાવવા અંગે વિચારણા કરી યોગ્ય આયોજન કરવા અંગે મંત્રીએ સૂચનો કરી કામગીરી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પાણી પૂરવઠા વિભાગના અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.