ભારતને અવકાશ સંશોધન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવનાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા નિર્મિત ચંદ્રયાન-૩ એ આજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગરના ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ખાતેથી ચંદ્રયાન-૩ લેન્ડિંગનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
કૃષિ મંત્રીએ ચંદ્રયાન-૩ મિશનના વિચારબીજથી લઇ ચંદ્રની સપાટી પર તેના સફળ લેન્ડિંગ સુધી પોતાનું યોગદાન આપનાર પ્રત્યેક ભારતીયને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક કક્ષાએ એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે, તેમાં આજે ચંદ્રયાન-૩નું સફળ લેન્ડિંગ વધુ એક સીમાચિન્હ બન્યું છે.