ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા 33 વર્ષીય એક યુવાનને પ્રેમ સંબંધો હોય આ યુવતીના પરિવારજનોએ યુવાનના ભાઈ તથા બહેન-બનેવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આનાથી દબાણમાં આવી ગયેલા યુવાને ગળાફાંસો ખાઈ લીધાના પ્રકરણમાં મૃતકના ભાઈએ બે મહિલાઓ તેમજ એક યુવાન મળી કુલ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુર નજીક આવેલા આરંભડા સીમ વિસ્તારમાં રહેતા રામુભાઈ કાયાભા હાથીયા નામના 33 વર્ષના અનુસૂચિત જાતિના યુવાને થોડા સમય પૂર્વે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આપઘાતના આ બનાવ સંદર્ભે મૃતકના નાનાભાઈ દાનાભાઈ કાયાભા હાથીયા એ પોલીસમાં જાહેર કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મૃતક રામુભાઈને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને તે આ યુવતીને લઈને ક્યાંક ચાલ્યા ગયા હતા. ત્યાર પછી તેઓ પરત આવતા યુવતીના પરિવારજન એવા મીઠાપુરમાં ટાટા કંપનીની ટાઉનશિપમાં રહેતા રાજુબેન વાઘેલા, મંગીબેન કનુભાઈ ઝાલા અને વિજય કનુભાઈ ઝાલાને આ બાબતે સારું ન લાગતાં તેઓએ એક સંપ કરી અને રામુભાઈને મરી જવા માટે ધમકી આપી હતી અને જો તે આમ નહીં કરે તો તેમના ભાઈ તથા બહેન-બનેવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાહેર થયું છે.
આ બાબતથી ડરી ગયેલા રામુભાઈ હાથીયાએ દબાણમાં આવી અને દુપટ્ટા વડે ગળાફાંસો ખાય લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આમ, પોતાના ભાઈને મરી જવા માટે મજબૂર કરવા સબબ દાનાભાઈ હાથીયાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે બે મહિલાઓ સહિત ત્રણેય સામે આઈ.પી.સી. કલમ 306, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પી.ટી. વાણીયાએ હાથ ધરી છે.