સોશિયલ મીડિયા પર વિવિધ જાતના જુદા જુદા વીડિયો વાયરલ થતા હોય છે. કયારેક કોઇને કોઇ અનુભવો થાય છે. તો કયારેક કોઇ સ્ટંટના વીડિયો જોવા મળે છે તો વળી અવાર-નવાર અહીં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ ના ઝઘડાઓ પણ જોવા મળે છે. ત્યારે તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના રાયબરેલીથી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો કર્યા પછી પાગલ પ્રેમીએ હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો અને સોલે ફિલ્મના વીરુની જેમ 40 ફુટ ઉંચા હાઈ ટેન્શન ટ્રાન્સમિશન ટાવર પર ચઢી ગયો હતો. અને આત્મહત્યાની ધમકી આપી રહ્યો હતો.

આ ઘટના રાયબરેલીની છે. યુવકના આ ખતરનાક પગલાંથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ રાત્રે લગભગ 2 વાગ્યા સુધી ઘટનાસ્થળે રહી યુવક વારંવાર નીચે ઉતરવા માટે સમજાવવામાં આવ્યો પરંતુ તે અડગ રહ્યો, નજીકના ગ્રામજનો એ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ, તે સાંભળવા તૈયાર ન હતો. લગભગ ત્રણ કલાકની મહેનત પછી આખરે પોલીસની ડહાપણથી યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. સદનસીબે આ સમય દરમિયાન કોઇ મોટી દુર્ઘટના બની ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવક તેની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડા બાદ ડિપ્રેશનમાં ગયો હતો અને ગુસ્સામાં આ ખતરનાક પગલું ભર્યુ હતું.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, યુવકે પહેલાં પણ ઘણી વખત વિચિત્ર કૃત્યો કર્યા છે પરંતુ,આ વખતે મામલો ગંભીર બની ગયો હતો જેના પર લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. પરંતુ, ફરી એકવાર આપણને વિચારવા મજબુર કરે છે કે, યુવાનોમાં માનસિક તણાવ અને સંબંધોની મુંઝવણ કેવી રીતે પ્રબળ બની રહી છે આવા કેસોને ગંભીરતાથી લેવાની અને લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃત્ત કરવાની જરૂર છે.


