જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારથી એસઓજી પોલીસે બે શખ્સોને ભેળસેળ યુકત ઘી સાથે ઝડઘી લઇ કુલ રૂા.1,12,810 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર ફુલક્રિમ આઈસ્ક્રીમ નામના બોર્ડ મારેલ મકાનમાં હુશેનભાઇ હિંદુસ્તાન ડેરીવાળા ભેળસેળ યુકત ઘી બનાવતા હોવાની એસઓજીના દિનેશભાઈ સાગઠીયા, રમેશભાઈ ચાવડા તથા સોયબભાઈ મકવાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી એન ચૌધરી તથા પીએસઆઈ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જામનગરના અધિકારીઓ સાથે જય રેઈડ દરમિયાન અબ્દુલકાદર રજાક કાસ મેમણ તથા હુશેન રજાક કાસ મેમણ નામના શખ્સોને ગેરકાયદેસર રીતે સોયાબીન તેલ તથા વેજીટેબલ ઘી મિકસ કરી અસલ ઘી બનાવતા ઝડપી લીધા હતાં. એસઓજી પોલીસે રૂા.52000 ની કિંમતનું 260 લીટર ભેળસેળ યુકત ઘી, રૂા.41,250 ની કિંમતના 25 નંગ વેજીટેબલ ઘી ના ડબ્બા, રૂા.19560 ની કિંમતના 12 નંગ સોયાબીન તેલના ડબ્બા સહિત રૂા.1,12,810 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જામનગરના અધિકારીઓ દ્વારા આ શંકાસ્પદ ભેળસેળ યુકત ઘી માંથી સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


