રાજ્યની જુદી જુદી નગરપાલિકાઓની મુદત તાજેતરમાં પૂર્ણ થતી હોય, સંભવત: એપ્રિલ માસમાં આ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજનાર છે. ગુજરાતની જુદી જુદી 76 નગરપાલિકાઓમાં ગત તારીખ 24 ફેબ્રુઆરી સુધીમાં ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. જેના અનુસંધાને આવી નગરપાલિકાઓમાં સરકાર દ્વારા વહીવટદાર નીમી દેવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા તેમજ ભાણવડ અને દ્વારકા નગરપાલિકાની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થઈ ચૂકી હોય, ગત સપ્તાહથી વહીવટદારનું શાસન અમલમાં મૂકવામાં આવ્યું છે. આના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ગત સાંજે જારી કરવામાં આવેલા આદેશોમાં આવી નગરપાલિકાઓની નજીકના પ્રાંત અધિકારી – મામલતદારને વહીવટદાર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ખંભાળિયાના મામલતદાર જયેશ મહેતાને સલાયા નગરપાલિકામાં, દ્વારકાના મામલતદાર વરુને દ્વારકા નગરપાલિકામાં તથા ભાણવડના મામલતદારને ભાણવડ નગરપાલિકાના વહીવટદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ સાથે હાલાર પંથકના ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર પાલિકાની પણ મુદત પૂર્ણ થઈ ગઈ હોવાથી ત્યાં પણ સ્થાનિક મામલતદારને વહીવટદાર તરીકેની નિયુક્તિનો આદેશ થયો છે.