Thursday, March 28, 2024
Homeબિઝનેસસિમેન્ટ કંપનીઓના શેર વેંચીને દેવું ભરપાઇ કરશે અદાણી

સિમેન્ટ કંપનીઓના શેર વેંચીને દેવું ભરપાઇ કરશે અદાણી

- Advertisement -

ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ અંબુજા સિમેન્ટ્સમાં અંદાજે 45 કરોડ ડોલર (અંદાજે 3700 કરોડ)ના મૂલ્યના શેર વેચવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે. અદાણીએ ગુરુવારે ગ્રુપના ઈન્ટરનેશનલ ધિરાણદારોને અંબુજામાં 4થી 5 ટકા હિસ્સો વેચવાની ઔપચારિક વિનંતી કરી દીધી છે. અદાણી ગ્રુપે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. અદાણી ગ્રુપે ગયા વર્ષે હોલ્સિમ એજીનો ભારતમાં રહેલો સિમેન્ટ બિઝનેસ (અંબુજા સિમેન્ટ્સ અને એસીસી લિમિટેડ) 10.5 અબજ ડોલરમાં ખરીદી લીધો હતો જે અત્યાર સુધીનું સૌથી મોટું એક્વિઝિશન હતું. આ એક્વિઝિશન માટે બાર્ક્લેઝ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને ડોઈશે બેન્કની આગેવાનીમાં 14 ઈન્ટરનેશનલ બેન્કોએ અદાણી ગ્રુપને 4.5 અબજ ડોલરનું ધિરાણ કર્યું છે. રિપોર્ટ અનુસાર અદાણી ગ્રુપ આ હિસ્સો કોને વેચશે તેનો કોઈ ફોડ પાડ્યો નથી. અદાણી ગ્રુપ અંબુજા સિમેન્ટ્સમાં 63 ટકા હિસ્સો ધરાવે છે. અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેરોમાં ભારે ધોવાણને પગલે ગ્રુપે રોકાણકારોનો વિશ્વાસ ફરી સ્થાપિત કરવા માટે માર્ચ-2023 સુધીમાં શેર આધારીત તમામ લોન પરત ચૂકવી દેવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપનું કુલ દેવું 24 અબજ ડોલર આસપાસ છે. અને ગ્રુપ આ દેવું ઓછું કરવાના પ્રયાસ કરી રહ્યું છે. આવા સમયે અંબુજ સિમેન્ટ્સમાં હિસ્સો વેચવા અંગેના આ અહેવાલ પ્રસિદ્ધ થયા છે. અંબુજાનો શેર શુક્રવારે 1.66 ટકા ઘટીને 378.35 પર બંધ રહ્યો હતો. આ બંધ ભાવ મુજબ અંબુજા સિમેન્ટ્સના પાંચ ટકા ઈક્વિટી હિસ્સાનું મૂલ્ય 46.5 કરોડ ડોલર (અંદાજે 3800 કરોડ) થાય છે. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપે 7 માર્ચે 90 કરોડ ડોલર (અંદાજે 7374 કરોડ)નું શેર આધારીત ઋણ સમય કરતાં વહેલાં પરત ચૂકવી દીધું હતું. આમ તો તેની મુદ્દત 2025માં હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular