રાજકોટમાં રહેતી બે યુવતીઓ ધ્રોલ તાલુકાના વાંકીયા નજીકથી તેના ઘરે જતી હતી ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ટ્રકે એકટીવાને ઠોકરે ચડાવતા અકસ્માતમાં એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવતીને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક નાશી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટમાં 80 ફૂટ મેઈન રોડ પર આવેલી ગુરૂકૃપા સોસાયટી શેરી નં.2 માં રહેતી ખુશાલી રમેશભાઈ સખીયા (ઉ.વ.19) અને ભગવતીનગર હસનવાડી 2 માં રહેતી નમ્રતા ગુણવંતભાઈ ચોટલિયા (ઉ.વ.19) નામની બન્ને યુવતીઓ બુધવારે સાંજના સમયે જામનગર થી રાજકોટ તેના જીજે-03-એલકે-5512 નંબરના એકટીવા પર જતી હતી ત્યારે ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ નજીક આવેલા પેટ્રોલપંપ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઇથી આવતા એમએચ-46-એફ-4264 નંબરના ટ્રકના ચાલકે એકટીવાને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાછળ બેસેલી નમ્રતા ચોટલિયા (ઉ.વ.19) નામની યુવતીને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
જ્યારે એકટીવા ચાલક ખુશાલી સખીયા નામની યુવતીને કપાળે અને માથામાં સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક ટ્રક મુકીને નાશી ગયો હતો. બાદમાં બનાવ અંગેની ખુશાલી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.