ભાણવડ તાલુકાના નવાગામ ખાતે રહેતા એક આસામીને હડધૂત કરી, માર મારવાના કેસમાં ખંભાળિયાની સેસન્સ અદાલતે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ પ્રકરણની વિગત મુજબ ભાણવડ તાબેના નવાગામ ખાતે રહેતા ભીખાભાઈ સામતભાઈ કટારીયાના પિતરાઈ ભાઈ બાબુભાઈ ડાયાભાઈ (રહે. નવાગામ) ને વેરાડ ગામના નટુભા ઉર્ફે બાઘુભા રૂપસંગ જેઠવા દ્વારા કૂવો ગાળવાની મજૂરીના નાણાની લેતીદેતી બાબતે ગત તારીખ 15 ઓગસ્ટ 2012ના રોજ બોલાચાલી કરી જ્ઞાતિ વિશે અશોભનીય શબ્દો કહી અને માર મારવા ઉપરાંત ફરિયાદી ભીખાભાઈને લાકડી વડે બેફામ માર મારી, સાહેદ બાબુભાઈને ધમકી આપતા આ સમગ્ર પ્રકરણ અંગે જે-તે સમયે ભાણવડ પોલીસ મથકમાં નટુભા જેઠવા સામે આઈ.પી.સી. કલમ 325, 504, 506 (2) તથા એટ્રોસિટી એક્ટ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતમાં કેસ ચાલી જતા આ સંદર્ભે વિવિધ દસ્તાવેજી પુરાવાઓ તથા સાહેદોના નિવેદન સહિત જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડાની દલીલોને ગ્રાહ્ય રાખી, ખંભાળિયાના એડિશનલ સેશન્સ જજ દ્વારા આરોપીને 3 વર્ષ કેદની સજા તથા રૂપિયા પાંચ હજારનો દંડ કરતો હુકમ કરવામાં આવ્યો છે.