ખંભાળિયામાં રહેતા આશરે 16 વર્ષના એક તરૂણની છરી વડે હત્યા નિપજાવી, તેની લાશ ફેંકી દેવાના પ્રકરણમાં નોંધાયેલી પોલીસ ફરિયાદને અનુલક્ષીને એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી, આ ગુનામાં મૃતકના મિત્રને દબોચી લીધો હતો. આરોપી શખ્સએ પોતાના મોજશોખ પુરા કરવા લૂંટ વીથ મર્ડરના આ બનાવને અંજામ આપ્યો હતો.

બનાવની વિગત મુજબ, ખંભાળિયાના શાંતિનિકેતન વાસ વિસ્તારમાં રહેતો આશરે 16 વર્ષના તરુણ કેતન અનિલભાઈ વાઘેલા ગત તા. 16 ના રોજ પોતાના મિત્ર હર્ષ દામજીભાઈ નાધેરાને મળવા જવાનું કહીને રાત્રિના સમયે પોતાના ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ મોડે સુધી તે પરત ન ફરતા અને રાત્રિના સમયથી જ તેનો ફોન બંધ આવતા આ વચ્ચે બુધવાર તા. 19 ના રોજ રાત્રિના સમયે રામનાથ સોસાયટી વિસ્તાર નજીકના નગરપાલિકાના એક સમ્પમાંથી કેતનનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ સાંપળ્યો હતો.
કંઈક અજુગતું બન્યાની આશંકા વચ્ચે બે દિવસથી મૃતક કેતનનો મિત્ર હર્ષ લાપતા બનતા ગુરુવારે કેતનના પિતાએ હર્ષ દામજીભાઈ સામે પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ લક્ષ્ય કેળવીને એલ.સી.બી. વિભાગને જવાબદારી સોંપતા એલ.સી.બી.ની ટીમ દ્વારા સફાઈ કામ કરતા હર્ષ ઉર્ફે જિમ્મીને શોધવા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી અને તેના ઉપર હાજર થવા સંદર્ભને ભીંસ વધારી હતી. હત્યાના બનાવ બાદ હર્ષ તારીખ 17 થી બનાસકાંઠા, રાજસ્થાન તરફ નાસી છૂટ્યો હતો. ત્યાર બાદ રાજસ્થાનના જેસલમેર ખાતેથી હર્ષ નાઘેરાને પોતાની સ્વૈચ્છિક રીતે જેસલમેરથી ખંભાળિયાની એલસીબી ઓફિસ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. જેમાં પોલીસની ટીમએ વિવિધ સિલસિલા બંધ વિગતો પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે હર્ષના વિવિધ સીસી ટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવ્યા હતા.
પોલીસ તપાસમાં જાહેર થયેલી વિગત મુજબ હત્યાં બનાવના સ્થળ એવા પોર ગેઈટ વિસ્તારમાં રહેતા આરોપી હર્ષ દ્વારા મોજશોખ કરવા તેમજ તેના ભાવી પત્ની અને નજીકના સગા સંબંધીને ફક્ત મોજ કરાવવા તેમજ આ મોજશોખ અને ફરવા જવા માટેના પૈસા તેની પાસે ન હોવાથી તેના અંગત મિત્ર એવા કેતન અનિલભાઈ વાઘેલા ગળામાં પહેરેલા કિંમતી સોનાના ચેન પર નજર બગાડી હતી. આમ, કિંમતી સોનાનો ચેન મેળવી લેવા માટે હર્ષએ કેતનને ભોળવી – લલચાવી અને પોતાના ઘરે બોલાવ્યો હતો. અહીં નશાની હાલતમાં લાવીને હર્ષ એ મોડી રાત્રિના સમયે છરી વડે કેતનનું ગળું કાપીને હત્યા કરી, સોનાનો ચેન લૂંટી લીધો હતો.
આ પછી કેતનના મૃતદેહને પોતાના ઘરની નજીકમાં આવેલી ગટરના સમ્પમાં લાશને સગેવગે કરવા માટે ફેંકી દીધી હતી. આ પછી સોનાના ચેનને વેચીને તેમાંથી મળેલા પૈસાથી તેઓ રાજસ્થાન, જેસલમેર ખાતે ફરવા જતો રહ્યો હોવાનું ખુલવા પામ્યું છે.
આ રીતે 21 વર્ષીય આરોપી હર્ષ ઉર્ફે જિમ્મી દામજીભાઈ નાઘેરાએ પોતાના મોજશોખ અને ફરવા માટે પોતાના અંગત મિત્રનો સોનાનો ચેન લૂંટી લેવા કરપીણ હત્યા કરી હોવાનું જાહેર થયું છે. આ રીતે યુવાન દ્વારા પોતાના તરુણ મિત્રની લૂંટ વીથ મર્ડરનો પડકારરૂપ બનાવ ઉકેલવા માટે તાકીદની કાર્યવાહીને સફળતા મળી છે અને આરોપી શખ્સની વિધિવત રીતે અટકાયત કરીને વધુ તપાસ અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, પીએસઆઈ આકાશ બારસીયા, ભાર્ગવ દેવમુરારી અને એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, જેસલસિંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, ગોવિંદભાઈ કરમુર, વિશ્વદિપસિંહ જાડેજા, સચિનભાઈ નકુમ અને ક્રિપાલસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.