ખંભાળિયા તાલુકાના હરિપર ગામમાં પીજીવીસીએલની ટીમે કરેલી ચેકિંગ કાર્યવાહી દરમ્યાન એક મકાનમાંથી અનધિકૃત રીતે વીજળી મેળવી વપરાશ થતો હોવાનું મળી આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને અનધિકૃત રીતે વીજળી મેળવવાના ગુના સબબ રૂા. 13.21 લાખનો દંડ તથા ત્રણ વર્ષની સખત કેદ તથા વર્ષ 2022માં અન્ય સ્થળે ઝડપાયેલી વીજચોરીમાં પણ આરોપીઓને કેદ અને દંડ ફટકારવામાં આવ્યો છે.
ખંભાળિયા તાલુકાના હરીપર ગામે માધવ ગ્રીન સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રદીપ દેવશી કરમુર નામના શખ્સના ઘરે ગત તારીખ 19 ઓક્ટોબર 2023ના રોજ પીજીવીસીએલના અધિકારીઓ તથા ટીમ દ્વારા વીજ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્થળે આરોપી શખ્સ દ્વારા વિજ મીટર ધરાવતા ન હોય અને તેમણે ગેરકાયદેસર રીતે પોતાના મકાનની બાજુમાં આવેલા પીજીવીસીએલ કંપનીના હળવા દબાણના વીજળીના પોલ પરથી અનધિકૃત રીતે પોતાનો સર્વિસ વાયર જોડી અને ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો મેળવ્યો હતો.
આમ, ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો મેળવી અને ઘર વપરાશનો ઉપયોગ થતો હોવાનું વીજ ચેકિંગ દરમિયાન ખુલવા પામ્યું હતું. જે સંદર્ભે આ સ્થળેથી રૂપિયા 2,20,276ની વીજ ચોરી પકડાઈ હતી. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા આરોપી વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને તેમના વિરુદ્ધ ચાર્જશીટ પછી આ અંગેનો કેસ ખંભાળિયાના પ્રિન્સિપાલ સેશન્સ અને સ્પેશિયલ ઇલેક્ટ્રીક કોર્ટના જજ એસ.વી. વ્યાસ સમક્ષ ચાલી જતા નામદાર અદાલતે મહત્વના સાક્ષીઓની તપાસ સાથે જિલ્લા મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઈને આરોપી પ્રદીપ દેવશી કરમુરને તકસીરવાન ઠેરવીને તેને વીજચોરીની રકમનો છ ગણો દંડ રૂપિયા 13,21,657 તથા ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.
આ જ રીતે તારીખ 10 જાન્યુઆરી 2022ના રોજ ગેરકાયદેસર રીતે પોતાના સર્વિસ વાયર થકી અનઅધિકૃત રીતે વીજ પુરવઠો મેળવી રૂપિયા 13,706ની વીજ ચોરી કરવા સબબ ઝડપાયેલા રમેશ ડાયાભાઈ વાઘેલા (રહે. શાંતિ નિકેતન, વાલ્મિકી વાસ, ખંભાળિયા)ને અદાલતે તકસીરવાન ઠેરવી રૂપિયા 82,325નો દંડ અને ત્રણ વર્ષની સખત કેદની સજા જ્યારે અન્ય એક આરોપી એવા અમીનાબેન અબ્બાસભાઈ ભાયા (રહે. સ્ટેશન રોડ, સલાયા) દ્વારા કરવામાં આવેલી રૂપિયા 78,735ની વીજ ચોરીમાં સરકારી વકીલ બી.એસ. જાડેજાની દલીલોને ગ્રાહ્ય રાખી, રૂ. 4,72,411નો દંડ અને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.


