- Advertisement -
ખંભાળિયા દ્વારકા ધોરીમાર્ગ પર ગતરાત્રે ટ્રાફિક કામગીરીમાં રહેલી જિલ્લા ટ્રાફિક વિભાગ ઈનોવા કાર અકસ્માતગ્રસ્ત થઈ હતી. રોડની એક તરફ ઊતરી ગયેલી આ મોટરકારને નુકસાની થવા પામી હતી. સદભાગ્યે આ કારમાં જઈ રહેલા એક પણ કર્મચારીને ઇજા થઇ ન હતી.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાથી દ્વારકા હાઈવે સુધી હાલ દરરોજ મોટી સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને દ્વારકા જાય છે. આ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા હાઈવે પર જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અંતર્ગત જિલ્લા ટ્રાફીક શાખાના ત્રણ જવાનો તથા ચાલક રાત્રે હાઈવે પર યાત્રીઓ અંગેની વ્યવસ્થામાં કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામથી ખંભાળિયા તરફ પરત આવી રહ્યા હતા, ત્યારે રાત્રીના ત્રણેક વાગ્યાના સમયે અત્રેથી આશરે બારેક કી.મી. દૂર આદર્શ સ્કૂલથી આગળ ફોરલેન રોડ પૂરો થઈ અને સિંગલ પટ્ટી રોડ શરૂ થતા સામેથી આવેલા આવી રહેલા વાહનની લાઈટના કારણે ઈનોવા કારના ચાલકના ધ્યાન બહાર રહી જતા કાર રોડની એક તરફ આવેલા નાલા જેવા ખાડામાં ઉતરી ગઈ હતી.
આ અકસ્માતમાં સદભાગ્યે ચાર પૈકી એકપણ કાર સવારને ઇજાઓ થઇ ન હતી. જોકે ઈનોવા કારમાં નુકસાની થવા પામી હતી. આ કારને અન્ય વાહન મારફતે ખાડામાંથી બહાર કાઢી, જરૂરી રીપેરીંગ બાદ પુનઃ સેવામાં લેવામાં આવી છે.
- Advertisement -