જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સાંઢીયા પુલ ઉતરતા પૂરપાટ આવી રહેલી મધ્યપ્રદેશની લકઝરી બસના ચાલકે બેફીકરાઇથી ચલાવી છકડા રીક્ષાને ઠોકરે ચડાવતા ચાલકનું મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સુભાષબ્રિજ પાસે રાજપાર્ક વિસ્તારમાં રહેતાં છગનભાઈ વારા નામના પ્રૌઢ ગત તા.15 ના રોજ બપોરના સમયે તેની જીજે-10-યુ-7181 નંબરની છકડો રીક્ષા લઇને જામનગર – રાજકોટ ધોરીમાર્ગ પર સાંઢીયો પુલ ઉતરતા હતાં તે દરમિયાન પુરપાટ બેફીકરાઇથી આવી રહેલી રાજકોટ જતી એમપી-44-ઝેડબી-7271 નંબરની લકઝરી બસના ચાલકે તેની બસ પૂરપાટ ચલાવી છકડો રીક્ષાને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં પ્રૌઢ રીક્ષાચાલકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.આ બનાવની મૃતકના પુત્ર રોહિત દ્વારા જાણ કરાતા હેકો ડી. જી. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.