જામનગર શહેરમાં અંબર ચોકડી પાસે વહેલીસવારના સમયે બાઈક પર જતા દંપતીને પૂરપાટ આવી રહેલા છોટાહાથીના ચાલકે ઠોકર મારી પછાડી દેતા ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડીમાં માધાપુર ભુંગા મસ્જિદ પાછળ રહેતાં મજૂરી કામ કરતા હુશેનભાઈના પિતા ઓસમાણભાઈ ઉદડા નામના પ્રૌઢ ગત તા. 16 ના રોજ વહેલીસવારના સમયે તેના જીજે-10-બીએકસ-8106 નંબરના બાઈક પર તેમની પત્ની સાથે અંબર ચોકડી સર્કલ પાસેથી પસાર થતા હતાં ત્યારે ગુલાબનગર તરફથી પૂરઝડપે આવી રહેલા જીજે-10-ટીએકસ-2722 નંબરની કચરાની ગાડીના ચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માતમાં બાઈક પર સવાર દંપતી નીચે પટકાયું હતું. જેના કારણે પ્રૌઢાને હાથ-પગમાં તથા પ્રૌઢને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું. બનાવ અંગેની જાણના આધારે હેકો વાય એમ વાળા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત દંપતીના પુત્રના નિવેદનના આધારે છોટા હાથી વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.