બનાસકાંઠા જીલ્લાના ડીસા પાલનપુર હાઈવે નજીક આજે સવારના સમયે ગંભીર અકસ્માત સર્જાયો છે. ડીસા-પાલનપુર હાઇવે પર ભોંયણ નજીક બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર એમ ચાર વાહન વચ્ચે અકસ્માત સર્જાયો છે. બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે રિક્ષા આવી ગઈ હતી. અને ટ્રક તેમજ રીક્ષામાં વિકરાળ આગ ફાટી નીકળતા ડ્રાઈવર અને પેસેન્જરો ફસાયા હોવાની આશંકા છે.
આ અકસ્માતમાં વાહનચાલકો અને આગની ઝપેટમાં આવ્યા હોય એવી આશંકા છે. રિક્ષામાં કેટલા પેસેન્જર હતા એ હજુ સામે આવ્યું નથી. અકસ્માતની જાણ ડીસા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરાતાં ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.