ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા એક પરિણીત યુવાન ગત તારીખ 8 ઓગસ્ટના રોજ ઘરેથી લાપતા બની થઈ ગયા બાદ શનિવારે તેમનો હાથ-પગમાં દોરડા સાથે પથ્થર વીંટળાયેલી હાલતમાં કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે અહીંની પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર બનાવવાની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે આવેલા મચ્છુનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ નથુભાઈ મંગરા નામના 42 વર્ષના યુવાન ગત તારીખ 8 મી ના રોજ બપોરે 2 વાગ્યાના સમયે પોતાના ઘરેથી ગૌશાળામાં કામે જવાનું કહી અને નીકળ્યા બાદ લાંબો સમય સુધી પરત ફર્યા ન હતા. લાંબી શોધખોળ બાદ પણ રાજેશભાઈ મળી ના આવતા તેમના પિતા નથુભાઈ વેજાભાઈ મંગેરા (ઉ.વ. 65, રહે. ભાડથર) ખંભાળિયા પોલીસ મથકમાં વિધિવત રીતે ગુમ નોંધ કરાવી હતી.
આ પછી ભાડથર ગામની વાડી વિસ્તારમાં રહેતા એક આસામીની વાડીમાં આવેલા કુવામાં એક મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં પડ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે આ સ્થળે દોડી જઈને લાંબી જહેમત બાદ કૂવામાંથી તદ્દન જકડાઈ ગયેલી હાલતમાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહ બે દિવસ પૂર્વે ગુમ થયેલા રાજેશભાઈ મંગેરાનો હોવાનું ખુલવા પામ્યું હતું.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ છેલ્લા આશરે બે વર્ષથી મૃતક રાજેશભાઈ માનસિક રીતે અસ્વસ્થ હતા અને તેમની દવા, સારવાર પણ ચાલુ હતી. ત્યારે રાજેશભાઈના હાથ તથા પગમાં કોઈ શખ્સોએ દોરડા તેમજ પથ્થર બાંધીને કૂવામાં નાખી દઈ, અને તેમની હત્યા નિપજાવી હોવાની ધોરણસર ફરિયાદ મૃતકના પિતા નથુભાઈ વેજાભાઈ મંગેરા (ઉ.વ.68) એ અહીંની પોલીસને કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે મનુષ્ય વધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી, પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં. હત્યારાઓને ઝડપી લેવા માટે ફોરેન્સિક નિષ્ણાતો સાથે પી.આઈ. બી.જે. સરવૈયા તથા તેમની ટીમે સધન તપાસ હાથ ધરી છે. યુવાનની આ રીતે ઘાતકી હત્યાના કોણે અને શા માટે નિપજાવી હશે તે બાબતે ભારે ચર્ચા સાથે આ સમગ્ર બનાવે નાના એવા ભાડથર ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે.