ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતી યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પરંતું યુવતીની સગાઇ અન્ય યુવક સાથે થઇ જતાં મનમાં લાગી આવતાં તેના ખેતરની ઓરડીમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ ધ્રોલ તાલુકાના નથુવડલા ગામની સીમમાં આવેલી નીલેશ પટેલની વાડી ભાગમાં આતુભાઇ ભાલિયાએ રાખી હતી. આતુભાઇની પુત્ર પુજાબેન ભાલિયા (ઉ.વ.22) નામની યુવતીને એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતું આ પ્રેમ સંબંધની કોઇને જાણ કરી શકતી ન હતી. બીજી તરફ યુવતીની સગાઇ થઇ ગઇ હોવાથી મનમાં લાગી આવતાં પુજાબેને ગુરૂવારે મધ્યરાત્રીના સમયે તેની વાડીમાં આવેલી ઓરડીમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની અશોક ભાલિયા દ્વારા જાણ કરતાં હેકો.એચ.બી.સોઢિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.