જામનગર શહેરના ગુરૂદ્વારા ચોકડી પાસે આજે સાંજના સમયે યુવાનની બાઇક સ્લીપ થતાં અકસ્માતમાં ઇજા પહોંચી હતી. આજ સમયે જામનગર ફાયરની ટીમ પસાર થતાં તેણે ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક તેમના વાહનમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતો ભાવિક બીપીનભાઇ મકવાણા (ઉ.વ.29) નામનો યુવાન બુધવારે સાંજે તેની બાઇક પર ગુરૂદ્વારા પાસેથી પસાર થતો હતો તે સમયે અકસ્માતે બાઇક સ્લીપ થવાથી શરીરે અને માથામાં ઇજા પહોંચી હતી. અકસ્માત સમયે જ ત્યાંથી પસાર થતી જામનગર ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વગર ઘવાયેલા યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં યુવાનને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.