ભાણવડ તાલુકાના શિવા ગામમાં શુક્રવારે બપોરે કૂવો ગાળવાનું કામ કરી રહેલા યુવાનનું અકસ્માતે હાથમાંથી દોરડું છટકી જતાં પટકાવાથી મોત થયું છે.
આ અંગેની વિગત મુજબ ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતા આશિષભાઈ પરબતભાઈ રાવલિયા (ઉ.વ. 29) નામના યુવાન ગઈકાલે શુક્રવારે બપોરના સમયે તેમની ખેતીની જમીનમાં આવેલો કુવો ગાળવાનું કામ કરી રહ્યા હતા. દોરડાની મદદથી તેઓ કુવાની અંદર ઉતર્યા બાદ ચઢતી વખતે તેમના હાથમાંથી દોરડું છૂટી જતા તેઓ યુવાની અંદર પટકાઈ પડ્યા હતા. જેથી કુવામાં રહેલી પથ્થરની ધાર સાથે તેમનું માથું અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જયેશભાઈ જગાભાઈ રાવલિયાએ પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


