જામજોધપુર તાલુકાના સખપુર ગામની સીમમાં રહેતાં અને ખેતી કરતો યુવાન થ્રેસરમાં આવી જતાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના કાનાલુસ ગામ નજીક બાઈક સ્લીપ થવાથી ઈજાગ્રસ્ત પ્રૌઢનું અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતો અને ખેતી કરતા મયુર મુળુભાઈ ડાંગર (ઉ.વ.30) નામનો યુવાન શનિવારે બપોરના સમયે તેના સખપુરની સીમમાં આવેલા તેના ખેતરમાં થ્રેસર ઉપર કામ કરતો હતો. તે દરમિયાન થ્રેસરમાં આવી જતાં શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રાજશી ડાંગર દ્વારા જાણ કરાતા હેકો વી.ડી.ઝાપડિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં રહેતા ગાંગાભાઈ પીંગરસુર નામના પ્રૌઢ ગત તા.27 માર્ચના રોજ તેના પુત્ર અશ્ર્વિનને ખાનગી કંપનીમાં લેવા જતા હતાં તે દરમિયાન કાનાલુસ રોડ પરથી પસાર થતાં હતાં ત્યારે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની હાલત નાજુક જણાતા અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન પ્રૌઢનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે એએસઆઈ આર.આર. કરંગીયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામજોધપુર તાલુકાના સખપુરના યુવાનનું થ્રેસરમાં આવી જતાં મોત
કાનાલુસ નજીક બાઈક સ્લીપ થતા પ્રૌઢ ઘવાયા : અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ