ખંભાળિયા તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી યુવાન વ્યક્તિઓના હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નીપજતા હોવાના બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે. એવો જ એક બનાવો રવિવારે ખંભાળિયામાં વાંઝા દરજી જ્ઞાતિ પરિવારમાં બનવા પામ્યો છે.
ખંભાળિયામાં રાજડા રોડ વિસ્તારમાં રહેતા અમૃતલાલ સવજીભાઈ જેઠવા (અમુભાઈ વાંઝા) ના વડોદરા ખાતે રહી અને નોકરી કરતા આશરે 30 વર્ષની વયના પુત્ર અભિષેકને રવિવારે રાત્રિના સમયે એક છાતીમાં દુખાવો પડતાં તેમના પિતાએ તેમને નજીકની હોસ્પિટલમાં તાકીદે જવા માટે ફોનમાં જણાવ્યું હતું. પરંતુ આ યુવાનને સારવાર મળે તે પૂર્વે એકાદ કલાકના સમયગાળામાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક અભિષેક તેમના પિતા અમુભાઈ વાંઝાનો એકનો એક પુત્ર હતો. ત્યારે અપરણિત અને પરિવારના આશાસ્પદ યુવાનના અપમૃત્યુના આ બનાવે સમગ્ર શહેર સાથે વાંઝા દરજી સમાજમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.