જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસીમાં આવેલા એકસ્યુઝન પ્લાન્ટની ઈલેકટ્રીક ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા ગરમ બ્રાસનો રસ ઉડતા દાઝી ગયેલા શ્રમિક યુવકનું ઉત્તરપ્રદેશની બરેલીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર 36/13 માં આવેલા દ્વારકાધીશ એકસ્યુઝન નામના કારખાનાની ઇલેકટ્રીક ભઠ્ઠીમાં બે સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે ઇલેકટ્રીક ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થવાથી ભઠ્ઠીમાં રહેલો ગરમ બ્રાસનો રસ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના વતની અને હાલ જામનગરના દરેડમાં રહેતા તથા મજૂરી કામ કરતા અજયકુમાર ફુલસીંગ રામઅવતાર કશ્યપ (ઉ.વ.21) નામના યુવકના શરીરે ઉડતા ગંભીર રીતે દાઝી ગયો હતો ત્યારબાદ શ્રમિક યુવકને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલત વધુ નાજુક જણાતા ઉત્તરપ્રદેશના બરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સાવિત્રીદેવી દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના દરેડમાં બ્રાસની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા દાઝી ગયેલા યુવકનું મોત
થોડા દિવસો અગાઉ રાત્રિના સમયે ઈલેકટ્રીક ભઠ્ઠીમાં બ્લાસ્ટ : જામનગર અને અમદાવાદ બાદ ઉત્તરપ્રદેશના બરેલી હોસ્પિટલમાં ખસેડાયો : સારવાર કારગત ન નિવડી