જોડિયા તાલુકાના ખીરી સર્કલ પાસેથી પુરઝડપે પસાર થતી કારની મહિલા ચાલકે પગપાળા જઇ રહેલા યુવાનને ઠોકર મારી હડફેટ લેતાં શરીર તથા માથામાં ગંભીર ઇજા પહોંચતાં યુવાનનું મોત નિપજ્યું હતું. જામનગર જિલ્લા મોટીખાવડી નજીક પૂરપાટ આવી રહેલા ટ્રકે હડફેટ લેતાં અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના ખીરી ગામમાં રહેતો અને ઝારખંડ રાજ્યના દુમરીયા ગામનો વતની મદનભાઇ મહંતો (ઉ.વ.46) નામનો યુવાન ગત તા. 9ના રોજ સાંજના 8 વાગ્યાના અરસામાં ખીરી સર્કલ પાસે મોગલ કૃપા માલધારી હોટલ નજીકના રોડ પરથી ચાલીને જતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફિકરાઇથી આવી રહેલી જીજે-10 ડીએ-8035 નંબરની હુંડાઇ કારની મહિલા ચાલકે યુવાનને ઠોકરે ચડાવતાં મદનભાઇને શરીરે તેમજ માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના સંબંધી નિર્મલાભાઇ હાસંદા દ્વારા જાણ કરાતાં પ્રો. પીએઆઇ કે.આર. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી કાર ચાલક જયશ્રીબેન પટેલ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો બનાવ જામનગર જિલ્લાના મોટીખાવડી ગામ નજીક આવેલી હોટલ સામેથી પસાર થતાં 40 વર્ષના અજાણ્યા યુવાનને પૂરપાટ બેફિકરાઇથી આવી રહેલા જીજે-11 ડબલ્યુ-7337 નંબરના ટ્રક-ટેન્કર ચાલકે હડફેટ લેતાં યુવાનને ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જોગીદાન હાજાણી દ્વારા જાણ કરાતાં હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા અને પીએમ માટે મોકલી ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.