જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં રહેતી મહિલા ઉપર તેણીના જ બનેવીએ કોઇ કારણસર છરી વડે જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજયા બાદ હુમલાનો બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે હોસ્પિટલ અને સ્થળ પર દોડી જઈ ગુનો નોંધી આગળનીક કાર્યવાહી હાથ ધરી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા સિલ્વર સોસાયટી વિસ્તારમાં રહેતાં કરીમાબેન સકીલભાઈ સીપાહી (ઉ.વ.35) નામના મહિલા આજે સવારે તેના ઘર નજીક કચરો ફેંકવા ગયા હતાં તે દરમિયાન તેમના જ બનેવીએ કોઇ કારણસર મહિલા ઉપર હાથમાં તેમજ શરીરે છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા મહિલા લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડયા હતાં. ત્યારબાદ ઘવાયેલા મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં મહિલાને સારવાર આપવામાં આવે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જીવલેણ હુમલાના બનાવમાં ઘવાયેલી મહિલાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે હોસ્પિટલે પહોંચી જઇ મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધી નાશી ગયેલા હત્યારાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં અને પોલીસે હત્યા કયા કારણોસર નિપજાવવામાં આવી ? તે અંગેની પણ તપાસ હાથ ધરી હતી.